કેટલાંક એવાં માતા-પિતા છે જે સંતાનને સતત વખોડ્યા અને વગોવ્યા કરે છે. એમનો દીકરો કે પુત્રવધૂ ગમે તેટલી સેવા કરે કે ગમે તેટલું ધ્યાન રાખે એમને ઓછું જ પડે છે. વાંધા પાડવાની ઑલિમ્પિકમાં આવાં માતા-પિતાને ગોલ્ડ મેડલ મળી શકે એમ છે. સંતાનો તેમ છતાં મૂંગે મોઢે માતા-પિતાને સાચવે છે, પ્રેમથી નહીં – ફરજ માનીને! સંતાનો પણ બહારના માણસોની હાજરીમાં માતા-પિતાનો બચાવ કરે છે, એમનાં મહેણાં, કડવી ભાષા કે ફરિયાદોને સતત એક્સ્પ્લેન કર્યા કરે છે. મનોમન ગમે તેટલો ગુસ્સો આવતો હોય કે પીડા થતી હોય તેમ છતાં આ સંતાનો પોતાની ફરજ ચૂકતાં નથી.
[ પુસ્તકના ‘જો રિશ્તા બોજ બન જાયે,ઉસકો છોડના અચ્છા?’ લેખમાંથી ]
સાચું પૂછો તો પ્રેમનું સ્થાન ઈશ્વરથી સહેજેય ઊતરતું નથી, બલ્કે જો એને સંપૂર્ણ અનુભૂતિ સાથે અસ્તિત્વમાં ઉતારવામાં આવે તો પ્રેમ જ ઈશ્વર છે… આપણે બધા જ, કદાચ અજાણતાં પણ અણગમા અને તિરસ્કારને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છીએ. અસ્વીકાર જેટલી સહજતાથી આપણને અનુકૂળ આવે છે એટલી સહજતાથી સ્વીકાર કરવાનું આપણે શીખી શકતા નથી. આપણો પ્રેમ આપણા પ્રિયજનમાં કે પ્રિયપાત્રમાં ‘બદલાવ-તલબ’ પ્રેમ છે! પોતાને અનુકૂળ છે તે રીતે વર્તે ત્યાં સુધી જ વ્યક્તિ પ્રિય હોય એ કેવી માનસિકતા છે? પ્રેમ તો અન્યને અનુકૂળ થવાનું શીખવે છે… જ્યારે આપણું આપણા પર જ બસ ના ચાલે, એવી હાજરીને પ્રેમ કહેવાય. ભીતર અનેક કામનાઓ લઈને ગયા હોઈએ પણ ગુરુની કે ઈશ્વરની સામે હોઈએ ત્યારે કશુંય માગી ન શકવાની પરાધીનતા પ્રેમ છે! અપેક્ષાઓને કારણે કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ જોડાય, પણ જ્યારે એ વ્યક્તિની નિકટ જઈએ ત્યારે અપેક્ષા ખરી પડે અને માત્ર અહેસાસ બાકી રહે એ પ્રેમ છે… ઇર્શાદ કામિલની જ એક પંક્તિ, ‘કુછ રિશ્તોં કા નમક હી દૂરી હોતા હૈ, ન મિલના ભી બહોત જરૂરી હોતા હૈ.’
[ પુસ્તકના ‘કૌન મેરા, મેરા ક્યા તૂ લાગે?’ લેખમાંથી ]
મીનાકુમારી, મધુબાલા, એલ્વિસ પ્રેસ્લી, ગુરુ દત્ત, વર્જિનિયા વુલ્ફ, ઍન સેક્સટન, પરવીન શાકિર, અમૃતા શેરગીલ, બિમલ રૉય… એક આખું લિસ્ટ બનાવી શકાય એવાં નામોનું, જેમણે જાણી-બૂઝીને મોતને ભેટવાની ભૂલ કરી. આ બધાં ઇન્ટેલિજન્ટ હતાં, ગૉડ ગિફ્ટેડ હતાં… એમની પાસે કશુંક એવું હતું જે આ વિશ્વમાં જન્મ લેનાર ખૂબ ઓછા લોકોને મળતું હોય છે. ઈશ્વરની આવી અદ્ભુત અને અદ્વિતીય ભેટ લઈને જન્મેલા આ લોકો શા માટે પોતાના જ જીવનને વ્યસનની ચિતા પર ચઢાવી દેતા હશે? શરાબ પીવાથી કલા વધુ ખીલે, ગાંજો પીવાથી કલ્પના સારી થાય કે નશો કરવાથી કશું વધુ સર્જનાત્મક જન્મે એવું માનનારા માણસોથી મૂર્ખ બીજું કોઈ નથી! સર્જનાત્મકતાને વ્યસન સાથે કોઈ નિસ્બત નથી, ન હોઈ શકે!
[ પુસ્તકના ‘ઇસ મોડ સે જાતે હૈ… રાસ્તે દોનોં તરફ!’ લેખમાંથી ]
Weight | 180 g |
---|